બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

રવિવાર, 27 માર્ચ, 2011

એક હસ્તપ્રતનો અભ્યાસ

“વિક્રમાદિત્ય ચઊપાઈ : હસ્તપ્રત” એક પરિચય પ્રસ્તાવના હસ્તપ્રત એટલે હાથ વડે લખાયેલુ પુસ્તક. હસ્તપ્રત શબ્દ હસ્ત અને પ્રત આ બે પદો માંથી બનેલો છે.અને તેથી હસ્તપ્રતનો આવો અર્થ કરવામાં આવે છે. પરંતુ હસ્તપ્રતની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે. “કાગળ, કાપડ, તાડપત્ર, ભુર્જપત્ર અને અગરૂપત્ર જેવી નરમ સપાટી ઉપર હાથ વડે લખાયેલા પુસ્તકને હસ્તપ્રત કહેવામાં આવે છે.” ભારતમાં હસ્તપ્રતોનો વિપુલ વારસો સંગ્રહાયેલો છે. આ હસ્તપ્રતો ધાર્મિક, સામાજિક, રાજકિય, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેક મુલ્યવાન વિગતો આપતો આપણો અમુલ્ય ખજાનો છે. હસ્તપ્રતોના આ મહત્વને ધ્યાનમાં રાખીને ભારતના આ અમુલ્ય વારસાને બચાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકારે હસ્તપ્રત અભિયાન પુર જોશમાં ચલાવ્યુ છે. પ્રસ્તુત તપાસ નિબંધ માટે એક હસ્તપ્રતને પસંદ કરી તેનો પરિચય અને અધ્યયન કરવાનું વિચાર્યુ છે. હસ્તપ્રતનું પ્રાપ્તિ સ્થાન પ્રસ્તુત તપાસ નિબંધ સારૂ ‘વિક્રમાદિત્ય ચઉપાઈ’ શીર્ષકની એક હસ્તપ્રત પસંદ કરવામાં આવી છે. આ હસ્તપ્રત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા(જિ.ગાંધીનગર) ખાતે આવેલા આચાર્ય શ્રી, કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં સંગૃહિત છે. તેનો નોંધણી ક્રમાંક ૧૪૬૯૧ છે. ‘વિક્રમાદિત્ય ચઉપાઈ’ શીર્ષકની એક સમાન વિષય વસ્તુ ધરાવતી પરંતુ જુદા જુદા લહિયાઓ દ્વારા લખાયોલી કુલ ત્રણ હસ્તપ્રતો પ્રાપ્ત કરી હતી. આ ત્રણેય હસ્તપ્રતોનું તુલનાત્મક અધ્યયન કરી શકાય તેમ હતું, પરંતુ ત્રણેય હસ્તપ્રતોના મુળ પાઠ વાંચનમાં સારો એવો સમય લાગે તેમ હોવાથી અને આ તપાસ નિબંધ એક વર્ષના સમય ગાળામાં રજુ કરવાનો હોવાથી તુલનાત્મક અધ્યયન નો વિચાર પડતો મુકવામાં આવ્યો અને ઉપર દર્શાવેલી એક જ હસ્તપ્રતનું અધ્યયન કરવાનું વિચાર્યુ. લેખન સપાટી વિક્રમાદિત્ય ચઉપાઈ શીર્ષકની આ હસ્તપ્રત કાગદી હસ્તપ્રત છે. આ હસ્તપ્રત હાથ બનાવટના જાડા સફેદ કાગળ ઉપર લખાયેલી છે. હસ્તપ્રતનો કાગળ કેટલેક સ્થાનેથી કિટક વડે નુકશાન પામેલો જોવા મળે છે. કેટલાક પૃષ્ઠોના ખુણાઓ નુકશાન પામેલા છે. હસ્તપ્રતનું માપ પ્રસ્તુત હસ્તપ્રત ૨૪ સેમી લંબાઈ અને ૧૧ સેમીની પહોળાઈ ધરાવે છે. આમ તે લંબચોરસ આકારની છે. હસ્તપ્રતની લંબાઈને સમાંતર લેખન કાર્ય થયેલું છે. પૃષ્ઠ સંખ્યા આ હસ્તપ્રત કુલ ૨૭ પૃષ્ઠ ધરાવે છે. પૃષ્ઠની આગળ અને પાછળ એમ બંને બાજુ લેખન કાર્ય થયેલું છે. પૃષ્ઠના અગ્રભાગ કરતાં પૃષ્ઠ ભાગમાં લખાણ ઉલટું જોવા મળે છે. દરેક પૃષ્ઠના પાછળના ભાગમાં જમણી બાજુ નીચેના ભાગમાં પૃષ્ઠ ક્રમાંક હાંસિયામાં આપેલા છે. હસ્તપ્રતનો પ્રકાર લેખનશૈલીને આધારે આ હસ્તપ્રત શૂડ કે શૂઢ પ્રકારની છે. કારણ કે તેનો સમગ્ર પાઠ કોઈપણ જાતના ભાગ પાડ્યા સિવાય હાથીની સુંઢની પેઠે સળંગ લખવામાં આવ્યો છે. બાંધણીની દ્રષ્ટિએ આ હસ્તપ્રત છૂટા પાનાની હસ્તપ્રત છે. તેમાં પત્રોની બાંધણી કરવામાં આવી નથી. હસ્તપ્રતનો સમય આ હસ્તપ્રત વિ.સં. ૧૭૨૩, ના નભ(શ્રાવણ) માસ, શુક્લ ૧૩(તેરસ), બુધવાર ના રોજ રચના થઈ હતી. જેની ઈ.સ. ૨૪ જુલાઈ,૧૬૬૭ ને બુધવાર. આ હસ્તપ્રત નો લેખન સમય વિ.સ. ૧૮૩૩, આસો સુદિ ૧૦ (દશમ) મંગળવાર જે ઈ.સ. ૨૨ ઓક્ટોબર ૧૭૭૬ ને મંગળવાર નો છે. આ પ્રતનું લેખન સ્થળ શ્રી રાજનગર (અમદાવાદ) છે. લેખનશૈલી હસ્તપ્રતનાં પ્રારંભમાં જ ।।શ્રી નાન વર્ધનજીહેત શત્કેની પ્રત શીતેરમી છે.।। એવું લખાણ જોવા મળે છે. જ્યારે હસ્તપ્રતનાં અંતમાં પુષ્પીકા જોવા મળે છે. સમગ્ર લખાણ બે હાંસિયાની વચ્ચે સુંદર અક્ષરોમાં કોઈપણ જાતનાં ભાગ પાડ્યા સિવાય કાળી શાહીથી લખેલું જોવા મળે છે. હસ્તપ્રતમાં જોવા મળતા બે હાંસિયાઓ પણ કાળી શાહીથી આંકવામાં આવ્યા છે. પૃષ્ઠના બંને છેડેથી એક ઈંચના અંતરે આ હાંસિયાઓ જોવા મળે છે. બે રેખાઓના અંકન દ્વારા દરેક હાંસિયા તૈયાર કરવામાં આવેલા છે. હસ્તપ્રતના પ્રારંભનાં ત્રણ પૃષ્ઠ ઉપર હાંસિયામાં ડાબી બાજુએ ઉપરનાં ભાગમાં હસ્તપ્રતનું શીર્ષક જોવા મળે છે. જ્યારે પૃષ્ઠ ક્રમાંક જમણી બાજુનાં હાંસિયામાં નીચેના ભાગમાં જોવા મળે છે. હસ્તપ્રતમાં કરવામાં આવેલા સુધારા કે ઉમેરવામાં આવેલા અક્ષરો હાંસિયામાં દર્શાવેલા છે. ક્યાંક સફેદાનો ઉપયોગ કરીને પણ પાઠને સુધારવામાં આવેલો છે. લિપિ આ હસ્તપ્રતની લિપિ નાગરી લિપિ છે. જે ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખવામાં આવે છે. ભાષા હસ્તપ્રતની ભાષા ગુજરાતી કે અપભ્રંશ ગુજરાતી જણાય છે. હસ્તપ્રતના મુળ પાઠમાં વિવિધ પ્રકારના છંદ અને રાગોનો ઉપયોગ થયેલો છે. લેખક-લહિયો આ હસ્તપ્રતના મુળ કર્તા કે લેખક સોમગણી છે. હસ્તપ્રતના મુળ રચનાકાર કે લહિયા જયતારણ છે. આ મેળવેલ પ્રતના લહિયા સુંદરસાગર છે. આ કથાને ખંભાતના સંઘ સમક્ષ રજુ કરનાર ગવૈયો લાભવર્ધન છે. પદ્યશૈલી આ હસ્તપ્રત પદ્યશૈલીમાં લખાયેલી છે. જેમાં દુહા અને ઢાલના સ્વરૂપમાં રજુ કરેલી છે. દરેક દુહા કે ઢાલમાં નિશ્ચિત સંખ્યામાં ગાથાઓ આવેલી છે. આ હસ્તપ્રતમાં કુલ ૨૭ ઢાલ છે, અને કુલ ૫૮૬ ગાથાઓ આપેલી છે. આ સિવાય પુષ્પીકામાં ૧૯ ગાથાઓ જોવા મળે છે. હસ્તપ્રતમાં કુલ ૬૦૫ ગાથા છે. હસ્તપ્રતની ઢાલ અલગ અલગ રાગમાં તૈયાર કરેલી છે. અને તે સંદર્ભે રાગ મલ્હાર, સિંધુ, કાફી, સોરઠ જેવા રાગોનો ઉપયોગ થયેલો છે.